કોવિડ-19ની રસીઓની આડઅસરો | Side effects of COVID-19 vaccines

રસીકરણની આડઅસરો અને તમને જો તેમ થાય તો શું કરવું તે અંગે જાણકારી મેળવો.

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ છે.

બુકિંગ કરાવવા માટે બુક માઈ વેક્સિન (Book My Vaccine) ની મુલાકાત લો અથવા કોવિડ રસીકરણ હેલ્થલાઇન પર કૉલ કરો.

સામાન્ય પ્રકારની આડઅસરો

અન્ય તમામ દવાઓની જેમ રસી લીધાં પછી 1-2 દિવસમાં તમને થોડી હળવી આડઅસરો જોવા મળી શકે છે. તે એક સામાન્ય સંકેત છે કે, આપણું શરીર વાઇરસ સામે લડત આપવાનું શીખી રહ્યું છે.

મોટાભાગની આડઅસરો લાંબા સમય સુધી ટકતી નથી અને તે તમને બીજો ડૉઝ લેતાં કે તમારી રોજબરોજની કામગીરી કરતાં અટકાવતી નથી. કેટલીક આડઅસરો કામચલાઉ રીતે તમારી ડ્રાઇવ કરવાની કે મશીનરીનો ઉપયોગ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.

સર્વસામાન્ય રીતે નોંધાયેલા રીએક્શનો આ મુજબ છેઃ

 • ઇન્જેક્શનની જગ્યાએ દુઃખાવો થવો કે સોજો આવી જવો
 • થાક કે સુસ્તી લાગવી
 • માથુ દુખવું
 • સ્નાયુઓનો દુઃખાવો
 • ઠંડી લાગવી
 • સાંધામાં દુઃખાવો થવો
 • તાવ
 • ઇન્જેક્શનની જગ્યાએ લાલાશ આવી જવી
 • ઉબકા આવવા

કેટલીક આડઅસરો સામાન્ય રીતે બીજા ડૉઝ બાદ જોવા મળતી હોય છે.

અસામાન્ય અને ભાગ્યે જ જોવા મળતી આડઅસરો - આરોગ્ય મંત્રાલય (external link)

તમને જો અસ્વસ્થતા અનુભવાય તો, તમેઃ

 • થોડા સમય માટે ઇન્જેક્શનની જગ્યાએ ઠંડું, ભીનું કપડું અથવા આઇસ પૅક મૂકો.
 • આરામ કરો અને ખૂબ વધારે પ્રમાણમાં પ્રવાહી (લિક્વિડ) પીવો
 • પેરાસીટામોલ અથવા આઇબુપ્રોફેન લો.

ક્યારે મદદ લેવી

રસીકરણ બાદ આપને જો ચિંતા થાય કે અસ્વસ્થ અનુભવો છો તો, તમારા ફેમિલી ડૉક્ટર અથવા અન્ય કોઈ હેલ્થ પ્રોફેશનલ સાથે વાત કરો અથવા 0800 358 5453 પર હેલ્થલાઇનને કૉલ કરો.

આપને જો આપની સુરક્ષા અંગે ચિંતા હોય તો, 111 પર કૉલ કરો. તેમને જણાવો કે આપે કોવિડ-19ની રસી લીધી છે, જેથી તેઓ તમારું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે.

એલર્જી નીકળવી

ગંભીર એલર્જી થઈ શકે છે પરંતુ તેમ ભાગ્યે જ થાય છે.

આપને જો ભૂતકાળમાં કોઇપણ રસી કે ઇન્જેક્શનની ગંભીર કે તાત્કાલિક એલર્જી નીકળી હોય તો, આપ જ્યારે તમારા રસીકરણની એપોઇન્ટમેન્ટ માટે પહોંચો ત્યારે તમારા વેક્સિનેટરને આ અંગે જાણ કરો.

કોવિડ-19ની રસી લેતી વખતે આપને જો કોઈ રીએક્શન થાય તો, આરોગ્ય કાર્યકર તમારી કાળજી લેવા માટે ત્યાં હાજર હશે અને આપ ઠીક થઈ જાઓ તેની ખાતરી કરશે.

આડઅસરો અંગે જાણ કરવી

સેન્ટર ફૉર એડવર્સ રીએક્શન્સ મોનિટરિંગ (CARM) એ ન્યૂ ઝીલેન્ડમાં દવાઓ અને રસીઓની પ્રતિકૂળ અસરો (આડઅસરો) અંગેની માહિતીનો ડેટાબેઝ છે.

CARM દવાઓના સલામત ઉપયોગ અને તેનું પ્રીસ્ક્રાઇબિંગ કરવામાં મદદરૂપ થવા કોઇપણ સમસ્યા અંગે જાણકારી મેળવવા માટે આ માહિતી પર નજર રાખે છે. 

આપ જો આપની આડઅસરો અંગે જાણ કરવા માંગતા હો, તો તેમ કરી શકો છો. આડઅસરો અંગે જાણ કરવાથી તે સમગ્ર વિશ્વમાંથી એકઠાં કરવામાં આવી રહેલા ડેટા (માહિતી)માં યોગદાન આપશે તથા ન્યૂ ઝીલેન્ડમાં કોઈ ચોક્કસ પેટર્નને અને કોઈ સંભવિત સુરક્ષા મુદ્દાને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે.

CARMને તમારી આડઅસરો અંગેની જાણ કરો (external link)

ન્યૂ ઝીલેન્ડમાં નોંધાયેલી આડઅસરો (external link)