કોવિડ-19ની રસીઓ: વિકાસ, મંજૂરી અને સલામતી | COVID-19 vaccines: development, approval and safety

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ છે.

બુકિંગ કરાવવા માટે બુક માઈ વેક્સિન (Book My Vaccine) ની મુલાકાત લો અથવા કોવિડ રસીકરણ હેલ્થલાઇન પર કૉલ કરો.

કોવિડ-19ની રસીઓને કેવી રીતે ઝડપી અને સલામતીપૂર્વક વિકસાવવામાં આવે છે

રસીને વિકસાવવા માટે વૈજ્ઞાનિકો અને વિવિધ દેશોની સરકારો વચ્ચે આટલા મોટા પાયે વૈશ્વિક સહકાર અગાઉ ક્યારેય સાધવામાં આવ્યો નથી. તેણે સમગ્ર વિશ્વમાં રસીને વિકસાવવાની, ક્લિનિકલ પરીક્ષણોની અને મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવી છે.

રસી ખૂબ જ ઝડપથી વિકસાવવામાં આવી છે પરંતુ તેના માટે જરૂરી પ્રક્રિયામાં કોઈ શોર્ટકટ લેવામાં આવ્યો નથી કે સલામતી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

આ પ્રક્રિયાને ઝડપથી શરૂ કરવા માટે સંશોધકો અન્ય કોરોનાવાઇરસ અને રસીના વિકાસ અંગેના પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી શક્યાં હતાં.

કોવિડ-19 અંગેના વૈશ્વિક હિત અને ચિંતાને કારણે ક્લિનિકલ પરીક્ષણોમાં સામાન્ય કરતાં વધુ ઝડપે ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકોની ભરતી કરી શકાઈ હતી. કેટલાક ક્લિનિકલ પરીક્ષણો એક પછી એકને બદલે એક જ સમયે કરી શકાયા છે. તેનો અર્થ એવો થયો કે, વૈજ્ઞાનિકો એ નક્કી કરી શક્યાં હતાં કે, ટૂંકા સમયમાં વિકસાવવામાં આવેલી રસી અસરકારક છે કે નહીં - સામાન્ય પરિસ્થિતિઓમાં આમ કરવા માટે ઘણાં મહિનાઓ અથવા વર્ષોનો સમય લાગી શકતો હોય છે.

મોટા ઉત્પાદન પ્લાન્ટ્સ વિકસાવવામાં આવ્યાં, જેથી કરીને રસીઓનું ઉત્પાદન ઝડપથી અને મોટા પાયે થઈ શકે, જે અગાઉ શક્ય ન હતું.

ન્યૂ ઝીલેન્ડમાં રસીનું મૂલ્યાંકન અને મંજૂરી

મેડસેફ એ ન્યૂ ઝીલેન્ડની મેડિસિન સેફ્ટી ઑથોરિટી છે. તે રસીઓ સહિત તમામ નવી દવાઓ માટેની અરજીનું મૂલ્યાંકન કરે છે, જેથી કરીને તે આંતરરાષ્ટ્રીય ધોરણો અને સ્થાનિક જરૂરિયાતોને પૂરી કરી શકે.

રસીએ સલામતી, અસરકારકતા અને ગુણવત્તાના તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન કર્યું છે, તે અંગે સંતુષ્ટ થયાં પછી જ મેડસેફ આઓટેરોઆમાં રસીના ઉપયોગ માટેની સંમતિ આપે છે. તે ફ્લુની રસી જેવી અન્ય દવાઓનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા જેવી જ છે.

મંજૂરી આપવામાં કોઈ શોર્ટકટ લેવામાં આવ્યાં નથી.

ફાઇઝરની રસી સમગ્ર વિશ્વમાં કરોડો લોકો દ્વારા સફળતાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવી છે. સલામતી માટે તેનું નિરીક્ષણ કરવાની કામગીરી ચાલુ છે.

ફાઇઝરની રસીના પરીક્ષણો કેવી રીતે હાથ ધરવામાં આવ્યાં

ક્લિનિકલ પરીક્ષણોમાં એમ જાણવા મળ્યું કે,  આ રસી તમામ વય, જાતિ, વર્ણ, વંશીયતા અને અંતર્નિહિત તબીબી સ્થિતિઓ ધરાવતા લોકો માટે અસરકારક છે.

અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જે લોકોએ રસીના બંને ડૉઝ લીધા છે, તે પૈકી 95% લોકોને કોવિડ-19ના લક્ષણો સામે સુરક્ષા પ્રાપ્ત થઈ છે. તેનો અર્થ એ થાય છે કે, એકવાર તમારું સંપૂર્ણ રસીકરણ થઈ જાય તે પછી તમે ગંભીર રીતે બીમાર પડો તેવી શક્યતા ખૂબ ઓછી છે.

ક્લિનિકલ પરીક્ષણોમાં ફાઇઝરની રસીનો લગભગ 44,000 સહભાગીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાંથી અડધાં લોકોને રસી પ્રાપ્ત થઈ હતી, જ્યારે બાકીના અડધાંને સેલાઇન પ્લેસીબો પ્રાપ્ત થયું હતું. આ સહભાગીઓ વિવિધ વંશીયતા, વય, જાતિ અને અંતર્નિહિત તબીબી સ્થિતિઓ ધરાવતા હતા.

ફાઇઝરની રસી ટેસ્ટિંગના 3 તબક્કામાંથી પસાર થઈ હતીઃ

  • પહેલા અને બીજા તબક્કામાં થોડાં લોકોમાં આ રસીના ડૉઝના વિવિધ સ્તરોની સલામતી અને ઇમ્યુનોજેનિસિટી (પ્રત્યેક ડૉઝ બાદ રોગપ્રતિકારક શક્તિની પ્રતિક્રિયા)નુંમૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
  • બીજા અને ત્રીજા તબક્કામાં 21 દિવસના સમયાંતરે પસંદ કરવામાં આવેલા સ્તરે મોટી સંખ્યામાં લોકોને આપવામાં આવેલા બંને ડૉઝ બાદ કોવિડ-19ના લક્ષણો સામે રસીની સલામતી અનેઅસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

રસીની લાંબાગાળાની અસરકારકતા અને સલામતીને સમજવા માટે ક્લિનિકલ પરીક્ષણમાં ભાગ લેનારા સહભાગીઓને ફાઇઝરની રસીનો બીજો ડૉઝ આપ્યાં બાદ વધુ 2 વર્ષ માટે તેમને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે.